આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે નવા સત્રની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
પાલનપુર આઇ.ટી.આઇ.માં ૨૩ ટ્રેડની ૧૬૦૪ બેઠકો માટે એડમિશન શરૂ: વિદ્યાર્થીઓને મળશે સ્ટાઇપેન્ડ અને બસ પાસનો લાભ
મહિલા તાલીમાર્થીઓને ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ મળશે વિશેષ સહાય: કૌશલ્યના ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉત્તમ તક
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) પાલનપુર ખાતે આગામી નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો આગામી તારીખ ૨૩ જૂન ૨૦૨૬ સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ શૈક્ષણિક સત્રમાં સંસ્થા ખાતે કાર્યરત કુલ ૨૩ વિવિધ ટ્રેડમાં ૧૬૦૪ તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર, સિવિલ અને ફેબ્રિકેશન જેવા રોજગારલક્ષી ટેકનિકલ કોર્સ ઉપલબ્ધ છે. પ્રવેશ મેળવવા માટેનું ઓનલાઇન ફોર્મ આઇ.ટી.આઇ. કેમ્પસ ખાતે જઈને વિનામૂલ્યે ભરી શકાશે.
જો કોઈ ઉમેદવાર સંસ્થા બહાર (સાયબર કાફે કે અન્ય જગ્યાએથી) ફોર્મ ભરાવે છે, તો તેમણે જરૂરી તમામ અસલ દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) ની ચકાસણી અને ચોઇસ ફિલિંગ (ટ્રેડની પસંદગી) કરાવવા માટે આઇ.ટી.આઇ. ખાતે રૂબરૂ આવવાનું રહેશે. ત્યારબાદ નિયત રજિસ્ટ્રેશન ફી ₹૫૦/- ભરીને પોતાનું ફોર્મ કન્ફર્મ કરાવવું ફરજિયાત છે, તો જ પ્રવેશ પ્રક્રિયા માન્ય ગણાશે.
આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓને સરકારશ્રીના નિયમોનુસાર આર્થિક સહાય પણ મળવાપાત્ર છે. જેમાં એક વર્ષના કોર્સ માટે ₹૫,૦૦૦/- અને બે વર્ષના કોર્સ માટે કુલ ₹૧૦,૦૦૦/- નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ તાલીમાર્થીઓને ફ્રી બસ પાસની સુવિધા પણ મળવાપાત્ર છે. વિશેષમાં, મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે મહિલા તાલીમાર્થીઓને સરકારશ્રીની ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ એક વર્ષના કોર્સ માટે ₹૧૫,૦૦૦/- અને બે વર્ષના કોર્સ માટે કુલ ₹૨૪,૦૦૦/- ની માતબર સહાય આપવામાં આવશે.
પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારો સંસ્થાના સમય દરમિયાન એટલે કે સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે રૂબરૂ આવી શકે છે. જ્યાં કાર્યરત ‘હેલ્પ ડેસ્ક’ પરથી તમામ કોર્સની વિગતો તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગેનું વિગતવાર માર્ગદર્શન મેળવીને પોતાનું ઓનલાઇન ફોર્મ ભરાવી શકશે તેમ આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
