બનાસકાંઠાના ખેડૂતોને ખરીફ વાવણીમાં મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
ખેડૂતોને ટૂંકા ગાળાના પાકો અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અપીલ
ચાલુ વર્ષે ‘અલ નીનો’ની આગાહીના અનુસંધાને ખેડૂતોને ખરીફ વાવેતર દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ખરીફ ઋતુની વાવણી કામગીરી મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ખૂબ જ આધાર રાખતી હોવાથી, વરસાદની સંભવિત અછત અથવા ખેંચની સ્થિતિને પહોંચી વળવા માટે સક્રિય અને સંકલિત આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ) દ્વારા રાજ્યના કૃષિ વિભાગો સાથે પરામર્શ કરીને જિલ્લા કૃષિ આકસ્મિક યોજનાઓ અગાઉથી જ તૈયાર કરી લેવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત દુષ્કાળ-પ્રતિરોધક બિયારણોનો પ્રચાર, ટૂંકા ગાળાના વૈકલ્પિક પાકો તરફ સ્થળાંતર અને આકસ્મિક પરિસ્થિતિમાં કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપનની વ્યૂહરચનાઓ સહિતની મહત્વપૂર્ણ કૃષિ સલાહ પૂરી પાડવામાં આવી રહી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, બનાસકાંઠા દ્વારા ખેડૂતોને વર્તમાન પરિસ્થિતિમાં કેટલાક જરૂરી કૃષિ પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોએ ઓછા સમયગાળામાં તૈયાર થતા પાકો અથવા તેની વિશેષ જાતોની જ પસંદગી કરવી જોઈએ. જો કોઈ કારણસર મુખ્ય પાકની વાવણીની સીઝન નીકળી જાય, તો તેના બદલે ટૂંકા ગાળાના વૈકલ્પિક પાકો જેવા કે બાજરી (જાતો: GHB-1305, GHB-538), મગ (જાતો: ગુજરાત મગ- ૯, ૧૦) અથવા ગુવાર (જાતો: ગુજરાત ગુવાર- ૧, ૨, ૩, ૫) વગેરેનું વાવેતર કરવું હિતાવહ છે. જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહવા માટે ખેતરમાં આંતરખેડ કરવી (કરબ ચલાવવી) જરૂરી છે. આ ઉપરાંત, સૂર્યના તીવ્ર તાપથી થતું બાષ્પીભવન અટકાવવા અને જમીનની ભેજધારણ શક્તિ જાળવી રાખવા માટે ખેતરમાં પાકના અવશેષો, સૂકું ઘાસ કે પ્લાસ્ટિક દ્વારા સૂકી માટીનું ઊલટ-સૂલટ પડ એટલે કે સોઈલ મલ્ચિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ.
પાક તંદુરસ્ત રહે તે માટે ખેતરમાં નબળા છોડ ઉપાડીને છોડની સંખ્યા મર્યાદિત કરવી તથા જમીન પરીક્ષણ (સોઈલ ટેસ્ટિંગ) ના રિપોર્ટના આધારે જ ખાતરનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ, ખાસ કરીને ભેજની અછત દરમિયાન વધુ પડતું ખાતર આપવાનું ટાળવું જોઈએ.
ખેતીવાડી વિભાગે જણાવ્યું છે કે, ખેતરમાં સમયસર નિંદણ નિયંત્રણ કરવું અત્યંત આવશ્યક છે જેથી મુખ્ય પાક અને નિંદણ વચ્ચે પાણી અને પોષક તત્વો માટેની સ્પર્ધા ઘટે. વરસાદની લાંબી ખેંચના સમયે પાક પર થ્રિપ્સ અને એફિડ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધવાની સંભાવના રહે છે, તેથી ખેડૂતોએ પાકનું નિયમિત નિરીક્ષણ કરી લીમડા આધારિત દવાઓનો પ્રોફીલેક્ટીક (આગોતરો) છંટકાવ કરવો હિતાવહ છે. જે ખેડૂતો પાસે કૂવા કે બોરવેલમાં પિયતની સગવડ ઉપલબ્ધ હોય, તેઓએ પરંપરાગત ધોરિયા પદ્ધતિના બદલે ફરજિયાત ટપક સિંચાઈ અથવા સ્પ્રિંકલર (ફુવારા પદ્ધતિ) નો જ ઉપયોગ કરવો, જેનાથી ૪૦% થી ૫૦% સુધી પાણીનો બચાવ કરી શકાય છે. તેમજ પિયતની ઉપલબ્ધતા મુજબ પાકની કટોકટીની અવસ્થાઓ ધ્યાને રાખીને જ પાણી આપવું જોઈએ. આ અંગેની વધુ ટેકનિકલ માહિતી અને માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના ગામના તલાટી કમ મંત્રી, સીટી તલાટી (કસ્બા તલાટી), ગ્રામસેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
