RBIની મોટી કાર્યવાહી: Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ

 RBIની મોટી કાર્યવાહી: Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ

ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ કરી વ્યવસાય પર પ્રતિબંધ મૂક્યો છે. માર્ચ 2022 થી ચાલી રહેલી કાર્યવાહી બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, ગ્રાહકોની થાપણો ચૂકવવા માટે પૂરતી વ્યવસ્થા છે

ભારતીય રિઝર્વ બેંકએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ સામે અત્યાર સુધીની સૌથી મોટી અને આકરી કાર્યવાહી કરતા તેનું બેંકિંગ લાઇસન્સ રદ કરી દીધું છે. સેન્ટ્રલ બેંકના આદેશ અનુસાર પેટીએમ પેમેન્ટ્સ બેંક પર તાત્કાલિક અસરથી કોઈપણ પ્રકારનો વ્યવસાય કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, RBI એ ગ્રાહકોને રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે બેંક પાસે ગ્રાહકોની થાપણો પરત ચૂકવવા માટે પૂરતા નાણાં ઉપલબ્ધ છે.

તાત્કાલિક અસરથી તમામ વ્યવસાયિક કામગીરી બંધ કરવા નિર્દેશ

ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય લાગુ થતાં જ બેંક હવેથી કોઈપણ નવી વ્યવસાયિક કામગીરી કરી શકશે નહીં. આ કાર્યવાહીને કારણે પેટીએમ પેમેન્ટ્સ બેંકની બેંકિંગ સેવાઓ પર નિર્ભર રહેલા ગ્રાહકો અને વેપારીઓએ હવે અન્ય બેંકિંગ વિકલ્પો તરફ વળવું પડશે.

ગ્રાહકોના નાણાં સુરક્ષિત: થાપણો ચૂકવવા માટે પૂરતી તરલતા

લાઇસન્સ રદ થવાના અહેવાલો વચ્ચે RBI એ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકોએ તેમના જમા નાણાં અંગે ગભરાવાની જરૂર નથી. સર્વોચ્ચ બેંકના જણાવ્યા અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પાસે પોતાની કામગીરી બંધ કર્યા પછી પણ ગ્રાહકોની સંપૂર્ણ થાપણ જવાબદારી ચૂકવવા માટે પૂરતી તરલતા છે. એટલે કે, ગ્રાહકો પોતાના બેંક ખાતા કે વોલેટમાં પડેલા નાણાં સુરક્ષિત રીતે પાછા મેળવી શકશે.

વર્ષ 2022 અને 2024 ના નિર્દેશોના અનુસંધાનમાં લેવાયો નિર્ણય

RBI એ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે આ અંતિમ કાર્યવાહી એ અગાઉ આપવામાં આવેલા આદેશોના અનુસંધાનમાં જ કરવામાં આવી છે. અગાઉ માર્ચ 2022 માં રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકતો કડક નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ, વર્ષ 2024 ની શરૂઆતમાં નિયમોના ભંગ બદલ વધારાના વ્યવસાયિક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા હતા. આ પ્રતિબંધો હેઠળ બેંકને હાલના ગ્રાહક ખાતાઓ અને પ્રીપેડ સાધનોમાં કોઈપણ પ્રકારની નવી ડિપોઝિટ, ક્રેડિટ કે ટોપ-અપ સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!