અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંલગ્ન બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા પ્રજાપતિ સમાજના પ્રતિભાશાળી મહાનુભાવોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો

તા. ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા સમાજના ગૌરવરૂપ પ્રતિભાશાળી મહાનુભાવોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અધિકારીઓ, શિક્ષકો, પત્રકારો અને સમાજસેવકોનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીઓના આગમન બાદ દીપ પ્રાગટ્ય થી થઈ. ત્યારબાદ હરગોવિંદભાઈ સંઘ ગાન કર્યું અને સંઘ સમિતિના પ્રમુખશ્રી બાબુભાઈ ચડોખીયાએ મહેમાન શ્રીઓના શાબ્દિક સ્વાગત પ્રવચન અને જિલ્લા સંઘ સમિતિની પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કર્યા.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રજાપતિ સમાજના ત્રણ પ્રતિષ્ઠિત આઈએએસ અધિકારીઓ – માનનીય શ્રી જે. એસ. પ્રજાપતિ, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર, માનનીય શ્રી બી. એમ. પ્રજાપતિ નિવૃત્ત ટ્રેડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર, માનનીય શ્રી બી. એસ. પ્રજાપતિ અધિક કલેક્ટર (નર્મદા) વડોદરા નું વિશિષ્ટ સન્માન રહ્યું. સમાજ માટે ગૌરવરૂપ તેમની પ્રશાસનિક સેવાઓ અને લોકહિતના કાર્યોને બિરદાવતાં તેમને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન,’ચંદ્રકમુ સાહિત્ય પરિષદ, પાલનપુર’ દ્વારા પુસ્તક વિમોચનનો સુંદર કાર્યક્રમ યોજાયો. શ્રી જે. બી. પ્રજાપતિ લિખિત પુસ્તક ‘ કેળવણી નું વિમોચન શ્રી ધર્મેશ ભાઈ પ્રજાપતિ અમદાવાદના હસ્તે થયું, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધન માટે આ પ્રસંગ યાદગાર બની રહ્યો. ઉપરાંત શ્રી જે. બી. પ્રજાપતિને પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરી તેમના સાહિત્યિક યોગદાનને બિરદાવવામાં આવ્યું. તે સાથે સમાજમાંથી નિવૃત્ત કર્મચારીઓ શ્રી ડી.ડી.પ્રજાપતિ અને શ્રી અશોકભાઈનું વય નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું. તે સાથે સમાજ માટે સતત કાર્યરત શ્રી હરગોવિંદભાઈ વાલમિયા અને શ્રી જીતુભાઈ પ્રજાપતિનું વ્યક્તિ વિશેષ સન્માન કરવામાં આવ્યું. સમાજના શૈક્ષણિક વિકાસ અને યુવા પેઢીના ઘડતરમાં સતત અગ્રેસર રહેલા શિક્ષક મિત્રો, શ્રી પરખાભાઈ, શ્રી નયનભાઈ અને શ્રી પ્રકાશભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમના શિક્ષણક્ષેત્રે કરેલા સમર્પિત કાર્યને ઉપસ્થિત સૌએ હૃદયપૂર્વક વધાવ્યું.
આ ઉપરાંત સર્કલ ઓફિસર શ્રી હિતેશભાઈ તથા UGVCL માં સેવા આપતા શ્રી નયનભાઈનું પણ તેમના ઉત્તમ વહીવટી કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું.
સમાજના અવાજને જનજન સુધી પહોંચાડતા પત્રકાર મિત્રો શ્રી મહેશભાઈ, શ્રી ભીખાભાઈ, શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવનભાઈ) પત્રકારશ્રીઓનું પણ સન્માન કરીને સમાજજીવનમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનની કદર કરવામાં આવી. સમાજ ના રાજકીય ક્ષેત્રના આગેવાનો શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ પૂર્વધારાસભ્ય, શ્રી શ્રેયાંશ ભાઈ પ્રજાપતિ મંત્રીશ્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ અને શ્રી જયંતીભાઈ પ્રજાપતિ (ભુજ) હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારી.
સમારોહમાં સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાં શિક્ષણ, પ્રશાસન, સાહિત્ય, પત્રકારત્વ અને સામાજિક સેવાના ક્ષેત્રે વધુને વધુ યુવાનો આગળ આવે તેવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો.
આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, એકતા અને સમાજગૌરવની ભાવના સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માનથી યુવા પેઢીને નવી પ્રેરણા મળી અને પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આજે ના કાર્યક્રમનો શ્રેષ્ઠ પાસું માનનીય શ્રી ગોદડભાઈ સાગરાસણીયા વ્યાખ્યાનમાળા અંતર્ગત નેશનલ ટ્રેનર અને વક્તા શ્રી હિતેશ પ્રજાપતિએ અનુશાસિત સમાજ કેવો હોય તે સમજાવતા વિવિધ ઉદાહરણો દ્વારા પોતાના વક્તવ્યથી સૌને ધ્યાન આકર્ષિત કર્યા અને સૌને વર્તમાન સમયમાં સમાજ માટે આપણે શું કરી શકીએ તે અંગે જાગૃત કર્યા. સમારંભ ના મુખ્ય મહેમાન શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબે આહવાન કરતાં જણાવ્યું કે સમાજની જાગૃતિ માટે આપણે સૌએ શિક્ષણ યજ્ઞમાં આહુતિ આપવી પડશે. સમાજના યુવાનોને સાચી દિશા અને બળ પૂરું પાડવાથી જ સમાજની ઉન્નતિ થશે. સમાજે જો વિકાસ કરવો છે તો આપણા યુવાનો UPSC જેવી પરીક્ષાઓ પાસ કરીને સરકારમાં વહીવટના ભાગીદાર બને તે ખૂબ જરૂરી છે. શ્રી બી.એમ પ્રજાપતિ સાહેબે પણ આજની સભાને સંબોધન કરતાં જણાવ્યું કે આજના હરિફાઈના સમયમાં દરેક સમાજ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે પણ તે દિશામાં તત્પર બનવું જોઈએ. સાથે સાથે ગોદડભાઈ સાગરાસણિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી વિદ્યાર્થી સ્કોલરશીપના ચેક પણ 11 વિદ્યાર્થી મિત્રોને સંઘના ટ્રસ્ટી શ્રી પિનાકીનભાઈ ઓઝા ના હસ્તે અર્પણ કરવામાં આવ્યા અને એમના શિક્ષણમાં એમને મદદ થાય તે માટે પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમના અંતિમ ચરણો સંત શ્રી કેશવદાસજી મહારાજે આશીર્વચન આપ્યા અને સમારંભના અધ્યક્ષ શ્રી ડૉ. બાબુભાઈ ગુર્જરે સમાજને આહવાન કરતા જણાવ્યું સૌ સાથે મળીને ચાલશો તો સમાજનો વિકાસ ચોક્કસ થશે. અંતમાં સંઘ સમિતિના મંત્રી શ્રી ખેમાભાઈ પ્રજાપતિ એ આભારવિધિ કરી. આજના કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. વર્ષાબેન આર. પ્રજાપતિ અને પ્રો. ડો. સુરેશભાઈ પ્રજાપતિએ કર્યું.
