ડીસામાં શંકાસ્પદ ઘી વિરુદ્ધ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી
__________
બે પેઢીઓ ખાતેથી અંદાજે ૮.૯૮ લાખથી વધુની કિંમતનું ૧૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું
__________
ડીસામાં તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ ઘી હેઠળ કાર્યવાહી
__________
માત્ર પ્રમાણિત લાયસન્સ ધરાવતા ઉત્પાદકો પાસેથી જ ખાદ્ય વસ્તુ ખરીદવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નાગરિકોને અપીલ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે બે ઘી ઉત્પાદક પેઢીઓ મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ તથા મે. શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ સામે શંકાસ્પદ ઘી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી એચ.વી. ગુર્જર અને ફૂડ સેફટી ઓફિસર કુ. ઇ.એસ.પટેલ દ્વારા તપાસ કરી બંને પેઢીઓમાંથી કુલ ૧૫૦૦ કિલોગ્રામથી વધુ ઘીનો જથ્થો, અંદાજીત કિંમત રૂ. ૮.૯૮ લાખનો જપ્ત કરવામાં આવ્યો હતો.
બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગે કેસો દાખલ થઈ ચૂક્યા છે. હાલ લેવામાં આવેલા તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બંને પેઢી સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તથા નાગરિકોને પ્રમાણિત લાયસન્સ ધરાવતા ઉત્પાદકો પાસેથી જ ખાદ્ય વસ્તુ ખરીદવાની અપીલ કરવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રથમ કાર્યવાહી દરમિયાન ડીસા ખાતેની મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ, પ્લોટ નં. ૫૭, જી.આઈ.ડી.સી., રેલ્વે સ્ટેશન રોડ, ડીસા ખાતે તપાસ કરવામાં આવી હતી. તપાસ સમયે પેઢી બહારથી બંધ હાલતમાં જોવા મળતાં માલિક શ્રી આશિષભાઈ લાલચંદ પંચીવાલાને ટેલીફોનીક સંપર્ક કરી પેઢી ખોલાવતા, સ્થળ પર જુદા જુદા માણસો દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ કાર્ય થઈ રહ્યું હોવાનું જણાયું હતું. ફૂડ સેફટી ઓફિસર કુ. ઇ.એસ. પટેલ દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – ૨૦૦૬ હેઠળ ધીનો નમૂનો લઈ ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ ૩૨૦ કિલોગ્રામ ઘીનો જથ્થો, કિંમત રૂપિયા ૧,૭૯,૨૦૦/- નો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ વિભાગ દ્વારા બીજી કાર્યવાહી ડીસા ખાતેની મે. શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ, પ્લોટ નં. ૦૬, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ખાતે હાથ ધરવામાં આવી હતી. માલિક શ્રી અજયકુમાર નાગરદાસ પંચીવાલાની પેઢી બહારથી બંધ હાલતમાં જોવા મળતાં તપાસ દરમિયાન ત્યાં જુદા જુદા માણસો દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ ચાલી રહ્યું હોવાનું જણાયું હતું. ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી એચ. વી. ગુર્જર દ્વારા ધીના બે નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પેઢીમાંથી ભુમી સરસ ઘીના ૫૦૦ મીલીના ૧૭૬ પેક, ૨૦૦ મીલીના ૭૫૦ પેક તથા લુઝ ઘી ૯૪૫ કિલોગ્રામ મળી કુલ ૧૧૮૩ કિલોગ્રામ ઘીનો જથ્થો કિંમત રૂપિયા ૭,૧૯,૩૨૦/- નો જપ્ત કરવામાં આવ્યો હતો.
***
