રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી

Title : રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી

Synopsis : આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ છે.


રાજ્ય સહિત દેશભરમાં આજે દેવદિવાળી અને ગુરુનાનક જયંતિની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે. આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું.રાજ્યભરના મંદિરોમાં આજે વિશેષ શણગાર સાથે ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવાશે.વિવિધ મંદિરોમા વિશેષ પુજાનું આયોજન કરાયું છે. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રે વિશેષ મહાપૂજા અને રાત્રે 12:00 વાગ્યે યોજાનાર મહાઆરતીમાં પ્રથમ વખત એસ.જી.વી.પી. દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓના બેન્ડ દ્વારા મહાદેવની આરતી સંગીતમય રૂપે પ્રસ્તુત કરાશે.

ઉલ્લેખનીય છે કે આજના દિવસે મધ્યરાત્રે 12:00 વાગ્યે ચંદ્રમા, શ્રી સોમનાથ મંદિરનો ધ્વજ અને શ્રી જ્યોતિર્લિંગ એક સીધી રેખામાં આવે છે ત્યારે અદ્ભુત ખગોળીય ઘટના સર્જાય છે.ભક્તોને આ દિવ્ય ક્ષણના દર્શન માટે મંદિર રાત્રે 1:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે સુવિધાસભર વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કાંઠે આજે કાર્તિકી પુર્ણિમાના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ છે. ગુરુ નાનક જયંતિને ગુરુપુરબ કે પ્રકાશપર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે રાજયભરના ગુરુદ્વારામાં વિશેષ લંગરનું આયોજન કરાયું છે.

આજે ભાવનગરના પાલિતાણામાં ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.જૈન ધર્મમાં આ યાત્રાનું  વિષેશ મહત્વ રહેલું છે. આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીઓ તેમજ ચાતુર્માસ કરી રહેલા આરાધકો આ મહાયાત્રામાં જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!