નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન.

સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત અને વિદાઈ સમારોહ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, સુરત ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ જેટલા આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમની શરૂઆત મંગલકારી વાતાવરણમાં ‘શ્રી ગણેશાય નમઃ’ ના નાદ સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળા દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને એક અનોખી યાદગીરી રૂપે તેમના પોતાના ફોટા વાળું કેલેન્ડર અને ફ્રેમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ખાસ ભેટ જોઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા. આ સાથે જ ધોરણ ૧૦ (S.S.C.) ના વિદ્યાર્થીઓ અને શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર પણ આ ગરિમાપૂર્ણ સમારોહમાં જોડાયો હતો. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે જરૂરી માર્ગદર્શન અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
વિદાયની આ પળોમાં વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા પોતાના અનુભવો અને યાદો વાગોળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. સંસ્થા દ્વારા તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
