અધિકારીએ ટેન્ડર મેળવનાર એજન્સીની મુલાકાત લીધી, સ્થળ નિરીક્ષણ કરી વિવિધ માહિતી મેળવી.
પાલનપુર નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલે તેમની ટીમ સાથે ટેન્ડર મેળવનાર એજન્સી ‘યસ ડોગ’ની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ નિરીક્ષણ કરીને રસીકરણ પ્રક્રિયા, કૂતરાઓને પકડવાની અને સંભાળવાની પદ્ધતિઓ, તેમજ સારવાર અને રસીકરણ માટેની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ નિરીક્ષણ દરમિયાન સ્વચ્છતા, સલામતી અને માનવતાપૂર્ણ વ્યવહારની પણ ચકાસણી કરવામાં આવી હતી.
પાલનપુર નગરપાલિકાએ શહેરમાં રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ તેમજ પાલતુ કૂતરાઓના રજીસ્ટ્રેશન માટે અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે.
આ કામગીરી માટે પાલનપુર સ્થિત ‘યસ ડોગ’ સંસ્થાને ટેન્ડર ફાળવવામાં આવ્યું છે. ટેન્ડર મળ્યા બાદ શહેરમાં રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રેબીઝ જેવા જીવલેણ રોગોથી જાહેર આરોગ્યનું રક્ષણ કરવું અને ખસીકરણ દ્વારા કૂતરાઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવાનો છે.
